.ભાજપના ધારાસભ્ય રામ કદમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી દાદરના શિવાજી પાર્કને સ્મૃતિ સ્થળ બનાવવાની માગણી કરી

રવિવારે ભારતરત્ન લતા મંગેશકરને રાજકીય સન્માન સાથે મુંબઈના શિવાજીપાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મહારાષ્ટ્રમાં રાજકારણના મોટા નેતા સામેલ થયા. જે શિવાજી પાર્કમાં લતાદીદીને વિદાઈ આપવામાં આવી તે મેદાનમાં લતા તાઈ નામથી એક સ્મૃતિ સ્થળ બનાવવાની માગ ભાજપના ધારાસભ્ય રામ કદમે કરી છે.
બીજેપી ધારાસભ્યે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્રમાં લખ્યું, તમે જાણો છો કે દિવંગત ભારત રત્ન લતાદીદીના અંતિમ સંસ્કાર શિવાજી મેદાન(શિવાજી પાર્ક)દાદર, મુંબઈમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. કરોડો ચાહકો, સંગીત પ્રેમીઓ અને લતાદીદીના શુભચિંતકો તરફથી મારી વિનમ્ર વિનંતી છે કે, દિવંગત ભારત રત્ન લતાદીદીની સ્મારક શિવાજી પાર્કમાં તે જ જગ્યામાં બનાવવા આવે જ્યાં તેઓ પંચતત્ત્વમાં વિલીન થયા.
લતા મંગેશકરનું નિધન રવિવારે ૯૨ વર્ષની ઉંમરમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયું. કોરોના અને ન્યૂમોનિયા થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાથી સ્વસ્થ્ય થયા પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ભારત સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં આજે સાર્વજનિક રજાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સચિવાલયે રવિવારે જાણકારી આપી હતી કે સોમવારે દરેક સરકારી ઓફિસ બંધ રહેશે. ઈમર્જન્સી સેવા જ ચાલુ રહેશે.શિવાજી પાર્કમાં લતાદીદીના અંતિમ સંસ્કારની વિધિમાં આઠ પંડિતો હાજર હતા. તેમના અંતિમ સંસ્કાર માટે ખાસ પ્રકારનો ચબૂતરો પણ બનાવ્યો હતો. તેમના ભાઈ અને ભત્રીજાએ મુખાગ્નિ આપી હતી