પંજાબમાં ચૂંટણી ટાણે જ પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવ્યા હથિયારો-નશીલા પદાર્થો

પંજાબમાં ભારત-પાકિસ્તાન સીમા ઉપર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગત રાત્રે અંદાજે ૧૨ઃ૫૦ વાગ્યે પંજગ્રેનમાં જવાનોએ પાકિસ્તાન તરફથી ડ્રોન આવી રહ્યાનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ જવાનોએ ડ્રોન ઉપર ફાયરિંગ કર્યું હતું જે દરમિયાન ડ્રોન ત્યાં પીળા રંગના બે પેકેટ ફેંકી ગયું હતું.
આ પહેલાં ત્રણ ફેબ્રુઆરીએ પંજાબના તરનતારનમાં પાકિસ્તાની નાગરિકે ઘૂસણખોરીની કોશિશ કરી હતી. તેને સીમા સુરક્ષા દળના જવાનોએ ચેતવણી આપવા છતાં તે અટક્યો નહોતો. ત્યારબાદ જવાનોએ ભારતીય સીમામાં ઘૂસી રહેલા ઘૂસણખોરને ગોળીએ દીધો હતો.
પાકિસ્તાની ઘૂસણખોર બીએસએફની બીઓપી (ચોકી) કરનૈલ સિંહની નજીક ખાલડાથી સરહદ પાર કરી ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો. મૃતક પાસેથી પાકિસ્તાની ચલણ પણ મળી આવ્યું હતું.
પાકિસ્તાની તસ્કર ડ્રોન અને અન્ય માધ્યમોથી હેરોઈન અને હથિયારોની ખેપ ભારતીય તસ્કરો સુધી પહોંચાડે છે. થોડા દિવસ પહેલાં ગુરદાસપુર સાથે જાેડાયેલી ભારતીય-પાકિસ્તાન સરહદથી મોટી માત્રામાં હેરોઈન અને હથિયારોનો જથ્થો સેનાએ પકડ્યો હતો. અત્યારે પંજાબમાં વિધાનસભા ચૂંટરી છે એટલા માટે પાકિસ્તાનથી હેરોઈન અને હથિયાર પંજાબ મોકલવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાની તસ્કરો આ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૮ જાન્યુઆરીએ ફિરોઝપુરના હુસૈનીવાલા બોર્ડર સાથે જાેડાયેલા ગામ ભાનેવાલા અને હજારા સિંહવાલામાં પાકિસ્તાની ડ્રોન દેખાતાં જવાનોએ તેના પર ગોળીઓ છોડી હતી. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખી બીએસએફે પેટ્રોલિંગ વધારી દીધું છે.