દેશના પોલીસદળમાં ૫.૩ લાખ જગ્યાઓ ખાલી

દેશના રાજ્યોના પોલીસદળમાં આશરે ૫.૩૦ લાખ જગ્યાઓ ખાલી પડી છે, જે મંજુર કરવામાં આવેલી કુલ જગ્યાની ૨૧ ટકા ઘટ દર્શાવે છે. આમાંથી મોટાભાગની જગ્યાએ કોન્સ્ટેબલ રેન્કની છે. નવાઇની વાત એ છે કે પોલીસના ટોચના હોદ્દા પર સરપ્લસ સ્ટાફ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કરેલા રીપોર્ટમાં સંસદની સ્થાયી સમિતિએ નોંધ્યું છે કે રાજ્યોના પોલીસ દળમાં પહેલી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ આશરે ૫,૩૧,૭૩૭ જગ્યા ખાલી પડેલી હતી.
આની સામે કુલ ૨૬,૨૩,૨૨૫ જગ્યાએને મંજૂરી મળેલી છે. આમ રાજ્યોના પોલીસદળમાં પોલીસ જવાનોની આશરે ૨૧ ટકા ઘટ છે. દેશમાં ગુના અને સુરક્ષાની સ્થિતિને જાેતા ખાલી જગ્યાનો આ આંકડો ઇચ્છનીય નથી. સમિતિ માને છે કે પોલીસ સ્ટાફમાં આ ઘટથી પોલીસની કાર્યક્ષમતાને સીધી અસર થાય છે. હાલના પોલીસ સ્ટાફના ઓવરટાઇમમાં વધારો થયો છે. પોલીસ જવાનોએ તણાવપૂર્ણ અને થકાવટભરી સ્થિતિનો સામનો કરવો પડે છે. આનાથી માત્ર તણાવના સ્તરમાં જ વધારો થતો નથી, પરંતુ ઘણીવાર પોલીસ જવાનો સામાન્ય માણસ પર તેનો રોષ ઠાલવે છે. આ સ્થિતિમાં પોલીસને તેમની ફરજ બજાવવામાં પણ ઘણીવાર સમાધાન કરવું પડે છે.