માત્ર ૪૦ દિવસમાં બીજી વખત ભાજપમાં એન્ટ્રી, ધારાસભ્ય બલવિંદર લડ્ડીએ ફરીથી કોંગ્રેસ છોડી દીધી

પંજાબમાં હરગોવિંદપુરના ધારાસભ્ય બલવિંદર સિંહ લડ્ડી ફરીથી ભાજપમાં જાેડાયા છે. ૪૦ દિવસમાં તેમણે ત્રીજી વખત પાર્ટી બદલી. લડ્ડી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તેઓ ૨૮ ડિસેમ્બરે ભાજપમાં જાેડાયા હતા. ૩જી જાન્યુઆરીએ ફરી કોંગ્રેસમાં પાછા ફર્યા અને ફરી એકવાર ભાજપમાં જાેડાયા છે. આ પહેલા ૩ જાન્યુઆરીએ તેઓ હરીશ રાવત અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની હાજરીમાં કોંગ્રેસમાં જાેડાયા હતા.
૨૮ ડિસેમ્બરે તેઓ નવી દિલ્હીમાં ભાજપમાં જાેડાયા હતા. બલવિંદર સિંહ લડ્ડી કેપ્ટન અમરિંદર સિંહના વફાદાર માનવામાં આવે છે. જાેકે, તેઓ કેપ્ટનની નવી પાર્ટીમાં જાેડાયા ન હતા અને ભાજપમાં જાેડાયા હતા. કેપ્ટન અમરિંદરે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. જાે કે, ૩ જાન્યુઆરીએ, તેમણે ભાજપને ફટકો આપ્યો અને કોંગ્રેસમાં પાછા ફર્યા હતાં.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે બટાલામાં લડ્ડીને ભાજપમાં સામેલ કરાવ્યા હતા. બટાલાથી ભાજપના ઉમેદવાર ફતેહજંગ બાજવા પણ ત્યાં હાજર હતા. લડ્ડી પણ બાજવા જૂથના માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસે હરગોવિંદપુર વિધાનસભા સીટથી લડ્ડીને ટિકિટ આપી નથી. આ સીટ ગુરદાસપુરમાં આવે છે. અહીંથી કોંગ્રેસે મનદીપ સિંહને ટિકિટ આપી છે.
ભાજપ છોડીને કોંગ્રેસમાં જાેડાયા બાદ લાડ્ડીએ એમ પણ કહ્યું હતું કે , તેમનાથી ભૂલ થઈ છે. તેમણે કહ્યું હતું કે, મારો જન્મ કોંગ્રેસમાં નેતા તરીકે થયો હતો. ભાજપમાં જવું એ ખોટો ર્નિણય હતો. પહેલા મને લાગ્યું કે કોંગ્રેસ મારી અવગણના કરી રહી છે પરંતુ પછી નેતૃત્વએ મને બોલાવ્યો અને મારી વાત સાંભળી. બધું સમજ્યા બાદ મેં પાર્ટીમાં પરત ફરવાનો ર્નિણય કર્યો છે.