રાજકોટ ઃ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રમાં એટ્રોસિટીના ૮૬ કેસ નોંધાયા
એટ્રોસિટી અંતર્ગત સમાવિષ્ટ લોકોને જાહેરમાં અપમાનિત કરવા, સામાજિક બહિષ્કાર કરવો, તે લોકો સાથે વ્યવસાય કરવાનો ઈનકાર કરવો અથવા નોકરી કે કામ ન આપવું, મારપીટ કરવી, જમીન પડાવી લેવી, ચૂંટણીમાં મત આપતા રોકવા કે મત દેવા માટે દબાણ કરવું, કોઇ સાર્વજનિક જગ્યાએ જવા માટે રોકવા સહિતની કોઇપણ પ્રકારની હેરાનગતિના ગુનામાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થાય છે.
એટ્રોસિટી અંતર્ગત અત્યાચાર અંગેનો કેસ દાખલ થતા સરકાર દ્વારા તેઓને ત્રણ ભાગમાં સહાય ચૂકવવામાં આવે છે, જેમાં એફઆઈઆર દાખલ થતા પ્રથમ, ચાર્જશીટ દાખલ થતા બીજા અને કોર્ટના ચુકાદા બાદ ત્રીજા ભાગમાં સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રમાં કુલ ૨૦૨.૭૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી, રાજકોટથી મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૨૮, વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૩૫, વર્ષ ૨૦૨૧-૨૨ ( જાન્યુઆરીના અંત સુધી ) દરમિયાન ૨૩ અત્યાચારના કેસ નોંધાયા છે. જેમાં સૌધી વધુ સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ પંથકમાં કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જિલ્લા પ્રમાણે રાજકોટમાં ૩, ભાવનગરમાં ૨, સુરેન્દ્રનગરમાં ૫, બોટાદમાં ૨, જૂનાગઢમાં ૩, જામનગરમાં ૧, મોરબીમાં ૩, પોરબંદરમાં ૨, ગીર સોમનાથમાં ૨ કેસ નોંધાયા છે.