ભારતીય ચોખાની નિકાસે આ વર્ષે થાઇલૅન્ડની હરીફાઈનો સામનો કરવો પડશે

વૈશ્વિક ચોખા બજારમાં ભારતીય નિકાસકારોનો અત્યારે દબદબો છે, પરંતુ આગામી દિવસોમાં ભારતે ચોખાની નિકાસ કરવા માટે થાઇલૅન્ડનો સીધો સામનો કરવો પડે એવી સંભાવના છે. થાઇલૅન્ડના ચોખાના ભાવ હવે ભારતની તુલનાએ માત્ર ૨૦ ડૉલર જેવા મોંઘા રહ્યા છે, જે આગામી દિવસોમાં બીજા દેશોને ખરીદવા માટે આકર્ષે એવા છે.
થાઇલૅન્ડમાં આ વર્ષે ચોખાનું ઉત્પાદન ૨૦૮ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૧૮૮ લાખ ટન અને અગાઉના વર્ષે ૨૦૧૯-’૨૦માં ૧૭૬.૫ લાખ ટન થયું હતું. થાઇલૅન્ડમાં ઉત્પાદન વધવાને પગલે એની નિકાસમાં ૩૧ ટકાનો વધારો થઈને ૮૦ લાખ ટનની નિકાસ થાય એવી સંભાવના છે, એમ અમેરિકન કૃષિ સંસ્થાના ફૉરેન ઍગ્રિકલ્ચર સર્વિસ વિભાગે જણાવ્યું હતું. થાઇલૅન્ડની કરન્સી બાહટ નબળી પડી રહી હોવાથી પણ નિકાસમાં પૅરિટી છે.
ઓલમ ઍગ્રો ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે થાઇલૅન્ડના પારબોઇલ્ડ ચોખાના ભાવ ઘટીને ભારતીય ચોખાના ભાવની નજીક આવી રહ્યા છે અને હવે માત્ર ૨૦થી ૩૦ ડૉલરનો જ ફરક છે. વર્તમાન સંજાેગોમાં પાંચ ટકા બ્રોકન પારબોઇલ્ડ ભારતીય ચોખાના ભાવ ૩૭૦થી ૩૭૬ ડૉલર છે, જેની સામે થાઇલૅન્ડના ભાવ ૩૯૫ ડૉલર પ્રતિ ટન બોલાઈ રહ્યા છે. ગુપ્તા વધુમાં કહે છે કે થાઇલૅન્ડની નિકાસ ૬૦-૭૫ લાખ ટનથી વધીને ૮૦ લાખ ટન જેટલી થઈ શકે છે.
એક અન્ય ચોખા નિકાસકારે જણાવ્યું હતું કે કેટલાક આફ્ર?કિન બાયરો થાઇલૅન્ડના ચોખા આયાત કરવાનું પહેલાં પસંદ કરશે, કારણ કે ભારતની તુલનાએ થાઇલૅન્ડના ચોખાની ક્વૉલિટી સારી હોય છે, પરિણામે નિકાસ માત્રામાં વધારો થવાની ધારણા છે.
ભારતમાંથી ગયા વર્ષે ચોખાની જે નિકાસ થઈ હતી એમાં ૪૪ ટકા હિસ્સો આફ્રિકા, બેનિમ, કૅમરૂન અને એન્ગોલા દેશમાં થઈ હતી, જેમાંથી ૭૦ ટકા ચોખા પારબોઇલ્ડ ચોખાની થઈ હતી.દેશમાં ચોખાના ઊંચા ભાવ અને ટ્રાન્સપોર્ટેશન માટે જરૂરી રેલવે-રૅન્કની પણ અછત હોવાથી સમયસર નિકાસ થઈ શકતી નથી, જેને કારણે ભારતીય નિકાસને અસર પહોંચે એવી સંભાવના છે.