મનોરંજન

29 વર્ષ પછી ખુલ્યો ગોવિંદા-કરિશ્માના કલ્ટ ગીતનો રહસ્ય, ગીતકારે સ્વીકારી મોટી ભૂલ

મુંબઈ: 90ના દાયકામાં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી બોલીવૂડની સૌથી લોકપ્રિય અને સુપરહિટ જોડીઓમાં ગણાતી હતી. બંનેએ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી હતી, જેમાં “હીરો નંબર 1”નું નામ આજે પણ ખાસ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મના ગીતો આજે પણ લોકોના દિલમાં જીવંત છે. ખાસ કરીને “મેં તુઝકો ભગા લાયા હૂં” ગીત આજે પણ લગ્ન, પાર્ટી અને સોશિયલ મીડિયા રીલ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. જોકે હવે આ ગીતને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

ફિલ્મના જાણીતા ગીતકાર સમીર અંજાને ખુલાસો કર્યો છે કે આ સુપરહિટ ગીતમાં એક મોટી લોજિકલ ભૂલ રહી ગઈ હતી. ગીતના શબ્દોમાં “तेरे बाप के डर से” લાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ફિલ્મની વાર્તા પ્રમાણે ગોવિંદા કરિશ્મા કપૂરના પિતાથી નહીં પરંતુ તેમના દાદાથી ડરતા હતા.

હકીકતમાં ફિલ્મમાં કરિશ્મા કપૂરના દાદાનો પાત્ર દિગ્ગજ અભિનેતા કાદર ખાને ભજવ્યો હતો. આખી ફિલ્મમાં તેઓ જ બંનેના પ્રેમના વિરોધમાં જોવા મળતા હતા. આવી સ્થિતિમાં ગીતના શબ્દો ફિલ્મની વાર્તા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતા નહોતા.

સમીર અંજાને જણાવ્યું કે તે સમય દરમિયાન ફિલ્મોના ગીતો ખૂબ ઝડપથી લખાતા અને રેકોર્ડ થતા હતા. ઉતાવળમાં આ ભૂલ થઈ ગઈ અને કોઈનું ધ્યાન પણ તેના પર ગયું નહોતું. જોકે ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોએ ગીતને એટલું પસંદ કર્યું કે તે 90ના દાયકાના સૌથી યાદગાર ગીતોમાં સામેલ થઈ ગયું.

“મેં તુઝકો ભગા લાયા હૂં” ગીતની ધૂન, ગોવિંદાનો મસ્તીભર્યો ડાન્સ અને કરિશ્મા કપૂરની અદાઓ આજે પણ લોકોમાં ઉત્સાહ જગાવે છે. સોશિયલ મીડિયા પર આજેય આ ગીત પર રીલ્સ અને ડાન્સ વીડિયો બનતા રહે છે.

“હીરો નંબર 1” ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ફિલ્મમેકર ડેવિડ ધવને કર્યું હતું. 1997માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ હતી અને ગોવિંદા-કરિશ્માની જોડી વધુ લોકપ્રિય બની હતી.

ફિલ્મના આ ગીતને લઈને થયેલો આ ખુલાસો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અનેક ચાહકોનું કહેવું છે કે ગીત એટલું મજેદાર અને એન્ટરટેઇનિંગ હતું કે લોકોને આ ભૂલનો અહેસાસ પણ થયો નહોતો.

Related Articles

Back to top button