ફોર્ચ્યુન ઇન્ડિયાની 2026ની ‘મોસ્ટ પાવરફુલ વુમન’ યાદી જાહેર: નીતા અંબાણી પ્રથમ સ્થાને, કોર્પોરેટ અને ટેક ક્ષેત્રની મહિલાઓનું પ્રભુત્વ

નવી દિલ્હી: ફોર્ચ્યુન ઇન્ડિયાએ વર્ષ 2026 માટે દેશની ‘મોસ્ટ પાવરફુલ વુમન’ (સૌથી શક્તિશાળી મહિલાઓ)ની યાદી જાહેર કરી છે. આ વર્ષની યાદીમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું છે. રાજકારણની સરખામણીએ કોર્પોરેટ, ટેક્નોલોજી, હેલ્થકેર અને બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓએ વધુ પ્રભાવશાળી સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણી પ્રથમ સ્થાને છે, જ્યારે ગયા વર્ષે તેઓ બીજા ક્રમે હતા. વર્ષ 2025માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પ્રથમ સ્થાને હતા.
ફોર્ચ્યુન ઇન્ડિયાની આ યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર દેશની 100 પ્રભાવશાળી મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બિઝનેસ, હેલ્થકેર, ટેક્નોલોજી, મીડિયા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં તેમના નેતૃત્વ અને પ્રભાવના આધારે આ પસંદગી કરવામાં આવી છે.
નીતા અંબાણી છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને રમતગમતના ક્ષેત્રમાં સક્રિય છે. તેઓ 2020થી સતત ટોપ-2માં સ્થાન જાળવી રાખી રહ્યા છે. અહેવાલ મુજબ, તેમણે વર્ષ 2035 સુધી પોતાના સામાજિક કાર્યોનો વ્યાપ પાંચ ગણો વધારવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. આ અંતર્ગત મુંબઈમાં 2,000 બેડની આધુનિક મેડિકલ સિટી અને નવા મેડિકલ કોલેજની સ્થાપનાની યોજના પણ જાહેર કરવામાં આવી છે.
યાદીમાં બીજા સ્થાને HCLTechની ચેરપર્સન રોશની નાડર છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમણે સતત પ્રગતિ નોંધાવી છે. વર્ષ 2022માં તેઓ 21મા ક્રમે હતા, જ્યારે હવે બીજા સ્થાને પહોંચી ગયા છે. તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ ટેક્નોલોજી ક્ષેત્રે નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેના કારણે કંપનીના AI વ્યવસાયમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
હેલ્થકેર ક્ષેત્રમાં અપોલો હોસ્પિટલ્સ ગ્રુપ સાથે જોડાયેલી સુનિતા રેડ્ડી, શોભના કામિનેની, સંગીતા રેડ્ડી અને પ્રીતા રેડ્ડી પણ યાદીમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેશભરમાં ફેલાયેલા અપોલોના હોસ્પિટલ નેટવર્ક, ફાર્મસી ચેઇન અને ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ દ્વારા લાખો લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. હાલમાં તેમનું વિશેષ ધ્યાન ડિજિટલ હેલ્થ અને મહિલા આરોગ્ય સેવાઓના વિસ્તરણ પર કેન્દ્રિત છે.
બાયોકોનની સ્થાપક કિરણ મઝુમદાર-શૉને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. તેમણે મર્યાદિત સંસાધનો સાથે નાનકડા ગેરેજમાંથી બાયોટેક્નોલોજી કંપનીની શરૂઆત કરી હતી અને આજે તેને વૈશ્વિક ઓળખ અપાવી છે. ભારતીય બાયોટેક ઉદ્યોગના વિકાસમાં તેમનું યોગદાન નોંધપાત્ર માનવામાં આવે છે.
આ વર્ષની યાદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ પ્રિયા નાયરનું છે. તેમણે ગયા વર્ષની સરખામણીએ મોટી છલાંગ લગાવીને 73મા સ્થાનેથી સીધા ટોપ-10માં પ્રવેશ કર્યો છે અને આ વર્ષે આઠમું સ્થાન મેળવ્યું છે. લગભગ ત્રણ દાયકાં પહેલાં હિન્દુસ્તાન યુનિલિવરમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર પ્રિયા નાયર આજે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કાર્યરત છે.
ફોર્ચ્યુન ઇન્ડિયાની 2026ની યાદી સ્પષ્ટ સંકેત આપે છે કે દેશમાં મહિલાઓનું નેતૃત્વ હવે માત્ર રાજકારણ પૂરતું મર્યાદિત નથી રહ્યું. કોર્પોરેટ, ટેક્નોલોજી, આરોગ્ય અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં મહિલાઓનું વધતું પ્રભાવ ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.


