ટ્રમ્પના ડિપોર્ટેશન અભિયાનથી 18 હજાર ભારતીયો પર ખતરો, ગેરકાયદેસર પ્રવાસીઓ સામે અમેરિકાની કડક કાર્યવાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા પ્રવાસીઓ સામે વિશાળ ડિપોર્ટેશન અભિયાન શરૂ કર્યું છે. આ કડક કાર્યવાહીથી અમેરિકા માં કાનૂની દસ્તાવેજો વિના રહેતા આશરે 18,000 ભારતીયો સીધા અસરગ્રસ્ત થઈ શકે છે.
નવી કાર્યવાહી હેઠળ અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ની ટીમો સતત દરોડા પાડી રહી છે અને ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓને ઝડપી રહી છે.
આ વખતે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઝડપાયેલા પ્રવાસીઓને કોર્ટમાં અપીલ કરવાની તક મળતી નથી. તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી અને ઘણા કિસ્સાઓમાં વકીલ રાખવાનો અધિકાર પણ મળતો નથી. ઝડપાયેલા લોકોને સીધા જ ડિટેન્શન સેન્ટરોમાં મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં પ્રવાસીઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
લશ્કરી વિમાનોનો ઉપયોગ, ₹16,500 કરોડનો ખર્ચ
માહિતી મુજબ ટ્રમ્પ પ્રશાસન ગેરકાયદેસર પ્રવાસીઓને તેમના દેશમાં પરત મોકલવા માટે આ વખતે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રવાસીઓને રાખવા માટે ટેક્સાસના એલ પાસો અને કેલિફોર્નિયામાં મોટા વેરહાઉસ ખરીદવામાં આવ્યા છે.
આ ડિટેન્શન સેન્ટરોના નિર્માણ માટે અંદાજે ₹16,500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલમાં આ કેન્દ્રોમાં 12,000થી વધુ પ્રવાસીઓને રાખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે.
કાનૂની નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા
ન્યૂયોર્કના અનુભવી ઇમિગ્રેશન વકીલ ગ્રેગ સિસ્કિન્ડે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષમાં તેમણે આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી. તેમના જણાવ્યા અનુસાર અગાઉ દરેક પ્રવાસીને પોતાનો પક્ષ રજૂ કરવાનો કાનૂની અધિકાર મળતો હતો, પરંતુ હવે તે પ્રક્રિયા મોટા પ્રમાણમાં મર્યાદિત થઈ ગઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં માનવાધિકાર સંબંધિત પોતાના નિયમો છે, પરંતુ કેન્દ્રીય એજન્સી ICE ઘણા કિસ્સાઓમાં સીધી કાર્યવાહી કરી રહી છે.
પાછલા વર્ષોના આંકડા શું કહે છે?
ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ વર્ષ 2025માં કુલ 3,567 ભારતીયોને અમેરિકા પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2026માં જૂન મહિના સુધી 1,076 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 5 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાએ એક લશ્કરી વિમાન દ્વારા 104 ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવીને અમૃતસર મોકલ્યા હતા. આ તસવીરો જાહેર થયા બાદ ભારતની સંસદમાં પણ ભારે હોબાળો મચ્યો હતો.