ક્વેટામાં ટ્રેન પાસે ભયાનક બોમ્બ બ્લાસ્ટ, 24નાં મોત; 50થી વધુ લોકો ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં રવિવારે થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે. ચમન ફાટક રેલવે સ્ટેશન નજીક સૈનિકોને લઈ જતી ટ્રેન પાસેથી થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્ફોટ રેલવે ટ્રેકની નજીક થયો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેનને પણ આંશિક નુકસાન પહોંચ્યું હતું. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસ ઉભેલા અનેક વાહનોના ચૂરેચૂરા થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઓછામાં ઓછા 10 વાહનો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે. નજીકની ઈમારતોના કાચ તૂટી પડ્યા હતા અને ઘણા વિસ્તારોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતકોમાં કેટલાક સૈનિકો પણ સામેલ હોઈ શકે છે. જોકે, પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરી નથી. સુરક્ષા દળોએ ઘટના પાછળ કયા આતંકી સંગઠનનો હાથ હોઈ શકે તે અંગે તપાસ શરૂ કરી છે.
વિસ્ફોટ બાદ ક્વેટાના તમામ સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઘાયલોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે વધારાના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. અનેક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે, જેથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાને પગલે સમગ્ર બલૂચિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને સાવચેતીના ભાગરૂપે ક્વેટા રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી. બલૂચિસ્તાનના પ્રાંતીય ગૃહ મંત્રીના પ્રવક્તા બાબર યુસુફઝઈએ જણાવ્યું હતું કે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે અને ઘટનાની દરેક દિશામાં તપાસ ચાલી રહી છે.
તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ ઘટનાસ્થળ પાસે ભીડ એકત્રિત ન કરે જેથી રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ન ઊભો થાય. પોલીસ, સેનાના જવાનો અને રાહત ટીમો સતત સ્થળ પર કામગીરી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાન લાંબા સમયથી આતંકવાદી હુમલાઓ અને અલગાવવાદી હિંસાના કારણે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અગાઉ પણ રેલવે ટ્રેક, સુરક્ષા દળો અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવી અનેક હુમલાઓ થઈ ચૂક્યા છે. તાજેતરના આ વિસ્ફોટે ફરી એકવાર પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.