ચૂંટણીમાં મળેલા ઝટકા બાદ ઇન્ડી ગઠબંધનની 6 જૂને મહત્વપૂર્ણ બેઠક, વિરોધ પક્ષ કરશે વ્યૂહરચના પર મंथન

નવી દિલ્હી: દેશની બદલાતી રાજકીય પરિસ્થિતિ અને તાજેતરના ચૂંટણી પરિણામોમાં મળેલા ઝટકાઓ વચ્ચે વિરોધ પક્ષોના ઇન્ડી ગઠબંધન દ્વારા 6 જૂને એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ, વિરોધ પક્ષોની ઘટતી રાજકીય અસર અને ભવિષ્યની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સાથે જ મતદાર યાદીમાં ગડબડીઓ, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને લોકશાહી સંબંધિત મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ અનેક વિરોધ પક્ષોમાં ચિંતા વધી છે. ઘણા નેતાઓ માને છે કે ગઠબંધનના સહયોગી પક્ષો વચ્ચેનો તાલમેલ નબળો પડતા ભારતીય જનતા પાર્ટીને સીધો રાજકીય લાભ મળી રહ્યો છે. પરિણામે ભાજપની રાજકીય પકડ સતત મજબૂત બની રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હવે ચૂંટણી યોજવાની પદ્ધતિ અને તેની પારદર્શિતા અંગે વધુ સતર્ક રહેવાની જરૂર છે. રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા ભાજપ પર જનમત “ચોરી” કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમના નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો હતો.
બીજી તરફ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત વિરોધ પક્ષોની એકતા મજબૂત બનાવવાના પ્રયાસોમાં લાગી છે. બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તેમણે જૂનના પ્રથમ સપ્તાહમાં ઇન્ડી ગઠબંધનની બેઠક બોલાવવાની માંગ કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભાજપ સામે મજબૂત મોરચો ઉભો કરવા માટે સમાન વિચારધારા ધરાવતા અન્ય પક્ષોને પણ સાથે જોડવાની જરૂર છે.
રાજકીય વિશ્લેષકોના મતે હવે વિરોધ પક્ષો માત્ર ચૂંટણી પૂરતા ગઠબંધન સુધી મર્યાદિત રહેવા માંગતા નથી. તેઓ લોકશાહી, સંવિધાન, સામાજિક ન્યાય અને ચૂંટણીની પારદર્શિતા જેવા મુદ્દાઓ પર સંયુક્ત અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. વિરોધ પક્ષોને લાગી રહ્યું છે કે જો તેઓ એકજૂટ થઈને લડશે નહીં તો આવનારા ચૂંટણીમાં ભાજપને પડકાર આપવો વધુ મુશ્કેલ બની શકે છે.
આ બેઠકમાં મતદાર યાદીમાં થતી ગેરરીતિઓનો મુદ્દો પણ ખાસ મહત્વનો રહી શકે છે. વિરોધ પક્ષો લાંબા સમયથી મતદાર યાદીની પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે સવાલો ઉઠાવતા આવ્યા છે. માનવામાં આવે છે કે આ મુદ્દે ગઠબંધન દ્વારા એક સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવામાં આવી શકે છે.
રાજકીય વર્તુળોમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આવનારા મહિનાઓમાં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં વિરોધ પક્ષો માટે એકતા અને સ્પષ્ટ વ્યૂહરચના સૌથી મોટો પડકાર બની શકે છે. હવે નજર 6 જૂનની બેઠક પર ટકેલી છે કે જ્યાંથી વિરોધ પક્ષો પોતાની આગામી રાજકીય દિશા નક્કી કરી શકે છે.


