ભારત

IMDનો મોટો એલર્ટ: જૂનમાં નબળો રહેશે માનસૂન, ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં ભારે ગરમીની આગાહી

નવી દિલ્હી: દેશભરમાં ઉનાળાની ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ માનસૂન અંગે ચિંતાજનક લાંબા ગાળાનો અંદાજ જાહેર કર્યો છે. હવામાન વિભાગના નવા અનુમાન મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછી વરસાદી સ્થિતિ જોવા મળી શકે છે. સાથે જ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ગુજરાત અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં લાંબા સમય સુધી હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

IMDના મહાનિદેશક ડૉ. મૃત્યુન્જય મહાપાત્રએ શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ વખતે દક્ષિણ-પશ્ચિમ માનસૂનની શરૂઆત ધીમી રહી શકે છે. વિભાગના અનુમાન અનુસાર દેશભરમાં સરેરાશ 90 ટકા વરસાદ થવાની શક્યતા છે, જે સામાન્ય સ્તર કરતાં ઓછો માનવામાં આવે છે. ખાસ કરીને મધ્ય ભારત, દક્ષિણ પ્રાયદ્વીપીય વિસ્તાર અને ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વરસાદની અછત સર્જાઈ શકે છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વરસાદની ઓછી માત્રાનો સીધો અસર કૃષિ ક્ષેત્ર પર પડી શકે છે. ખરીફ પાકોની વાવણીમાં વિલંબ અથવા નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણીની તંગી અને વીજળીની માંગમાં વધારો થવાની શક્યતા પણ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.

બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ વધતો જોવા મળશે. IMD અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ગુજરાત, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી લૂ ફૂંકાઈ શકે છે. મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં પણ ઊંચું તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. વિભાગે જણાવ્યું કે જૂન દરમિયાન દિવસ અને રાત્રિ બંનેના તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે, જેના કારણે લોકોને રાત્રે પણ ગરમીથી ખાસ રાહત નહીં મળે.

હવામાન નિષ્ણાતોની સૌથી મોટી ચિંતા અલ નીનોની સ્થિતિને લઈને છે. ડૉ. મહાપાત્રએ જણાવ્યું કે પ્રશાંત મહાસાગરમાં ENSOની ન્યુટ્રલ સ્થિતિ ઝડપથી અલ નીનો તરફ આગળ વધી રહી છે. જૂન સુધી તેની સક્રિય થવાની સંભાવના 82 ટકા સુધી પહોંચી શકે છે, જ્યારે જુલાઈ અને ઓગસ્ટમાં આ સંભાવના 90 ટકા કરતાં વધુ થઈ શકે છે.

અલ નીનો સામાન્ય રીતે ભારતીય માનસૂનને નબળું બનાવે છે. અગાઉ પણ 1972 અને 1982 જેવા વર્ષોમાં અલ નીનોના કારણે દેશને ગંભીર વરસાદી સંકટનો સામનો કરવો પડ્યો હતો. વૈશ્વિક હવામાન સંકેતો મુજબ જાન્યુઆરી 2026થી મધ્ય પ્રશાંત મહાસાગરનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસથી વધુ વધી ગયું છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.

તેમ છતાં કેટલાક સકારાત્મક સંકેતો પણ જોવા મળી રહ્યા છે. મે મહિનામાં દેશભરમાં સામાન્ય કરતાં 4 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. 27 મે સુધી મોસમી વરસાદ પણ સામાન્ય કરતાં 1 ટકા વધુ રહ્યો હતો. માનસૂન 16 મેના રોજ નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ વહેલું અંડમાન-નિકોબાર દ્વીપસમૂહમાં પહોંચ્યું હતું અને હાલમાં દક્ષિણ અરબી સમુદ્ર તથા લક્ષદ્વીપ તરફ આગળ વધી રહ્યું છે.

આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં પશ્ચિમ વિક્ષોભના પ્રભાવથી આગામી ત્રણ દિવસ દરમિયાન આંધીઓ, વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

મધ્ય પ્રદેશમાં હાલ નવતપાની અસર હેઠળ ભારે ગરમીનો માહોલ છે. ખજુરાહોમાં તાપમાન 46.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જ્યારે ભોપાલમાં પારો 43.8 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે પ્રી-માનસૂન પ્રવૃત્તિઓ વધતા આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

Related Articles

Back to top button