દેશ દુનિયા

સુરતમાં બનાવડાવ્યો નકલી હીરો, સિંગાપુરમાં ₹1.5 કરોડના હીરાની ચોરીનો પ્રયાસ; એરપોર્ટ પરથી બે ભારતીય ઝડપાયા

સિંગાપુર: સિંગાપુરમાં અંદાજે ₹1.5 કરોડ કિંમતના 4.95 કેરેટના હીરાની ચોરી કરવાનો પ્રયાસ કરનાર બે ભારતીય નાગરિકોને ચાંગી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેએ સુરતમાં અસલી હીરા જેવો દેખાતો નકલી હીરો તૈયાર કરાવ્યો હતો અને તેને જ્વેલરી સ્ટોરમાં અસલી હીરા સાથે બદલી નાખવાની યોજના બનાવી હતી. આ કેસમાં એક આરોપીને 2 વર્ષ, 2 મહિના અને 2 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી છે, જ્યારે બીજા આરોપી સામેનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે.

અહેવાલ મુજબ, બંને આરોપીઓ 19 જૂન, 2026ના રોજ સોશિયલ વિઝિટ પાસ પર સિંગાપુર પહોંચ્યા હતા અને ચાઇનાટાઉન વિસ્તારમાં આવેલી Dianoche જ્વેલરી દુકાનમાં ગયા હતા. યોજના મુજબ એક આરોપીએ સેલ્સ મેનેજરનું ધ્યાન ભટકાવ્યું, જ્યારે બીજા આરોપીએ પોતાના મોઢામાં છુપાવી રાખેલો નકલી હીરો બહાર કાઢીને અસલી 4.95 કેરેટના હીરા સાથે બદલી નાખ્યો અને અસલી હીરો પોતાના કબજામાં છુપાવી લીધો.

જો કે, તેમની સમગ્ર હરકત દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આરોપીઓ દુકાનમાંથી નીકળી ગયા બાદ કર્મચારીઓએ મશીનથી હીરાની તપાસ કરી, ત્યારે ખબર પડી કે હીરો નકલી છે. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી.

બંને આરોપીઓ હોટેલ પર પાછા ફર્યા, તાત્કાલિક ચેક-આઉટ કર્યું અને ભારત પરત જવા માટે ચાંગી એરપોર્ટ પહોંચ્યા. પરંતુ ઇમિગ્રેશન દરમિયાન પોલીસએ તેમની ધરપકડ કરી લીધી. તપાસ દરમિયાન તેમની પાસેથી અસલી હીરો પણ જપ્ત કરવામાં આવ્યો. કોર્ટે એક આરોપીને જેલની સજા સંભળાવી છે, જ્યારે બીજા આરોપી વિરુદ્ધનો કેસ હાલમાં કોર્ટમાં વિચારાધીન છે.

Related Articles

Back to top button