એક અઠવાડિયા પહેલાં થઈ હતી સગાઈ, બે મહિના બાદ થવાના હતા લગ્ન; રશિયન હુમલામાં કેરળના નાવિકનું મોત

તિરુવનંતપુરમ: યુક્રેનના ઓડેસા કિનારે કાર્ગો જહાજ MV Golden Leo પર થયેલા રશિયન મિસાઇલ હુમલામાં ચાર ભારતીયોના મોત થયા હતા. તેમાં કેરળના કાસરગોડ જિલ્લાના 26 વર્ષીય અખિલ જોયન પણ સામેલ હતા. અખિલની માત્ર એક અઠવાડિયા પહેલાં જ સગાઈ થઈ હતી અને બે મહિના બાદ તેમના લગ્ન નક્કી થયા હતા.
અખિલ છેલ્લા છ વર્ષથી મર્ચન્ટ નેવીમાં નાવિક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. સગાઈ માટે તેઓ ત્રણ મહિના પહેલાં ઘરે આવ્યા હતા અને લગભગ એક મહિના પહેલાં ફરીથી ડ્યૂટી પર પરત ગયા હતા. પરિવારના જણાવ્યા મુજબ, તેઓ માતા-પિતાના એકમાત્ર સંતાન અને પરિવારનો મુખ્ય આધાર હતા. તેમના પિતા ઇલેક્ટ્રિક દુકાનમાં કામ કરે છે, જ્યારે માતા વીમા એજન્ટ તરીકે કાર્યરત છે.
સ્થાનિક લોકોએ અખિલને મહેનતુ, શિસ્તબદ્ધ અને મિલનસાર યુવાન તરીકે યાદ કર્યા છે. તેઓ દોરખેંચ (ટગ ઓફ વોર)ના સારા ખેલાડી પણ હતા અને વધુ સારા ભવિષ્ય માટે ટૂંક સમયમાં નોકરી બદલવાની યોજના બનાવી રહ્યા હતા.
શિપિંગ કંપનીએ ઈ-મેઇલ દ્વારા પરિવારને તેમના મોતની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ તેમના પાર્થિવ દેહને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ દરમિયાન કેરળ સરકારે સંબંધિત વિભાગોને વિદેશ મંત્રાલય અને રશિયન દૂતાવાસ સાથે સમન્વય કરીને પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.
વિદેશી મીડિયા અનુસાર, ગિની-બિસાઉના ધ્વજ હેઠળ સંચાલિત આ કાર્ગો જહાજ ઓડેસા બંદરેથી નીકળ્યા બાદ થોડા જ સમયમાં રશિયન હુમલાનો ભોગ બન્યું હતું. આ હુમલામાં કુલ 10 લોકોનાં મોત થયા હતા, જ્યારે 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.